સહકારમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતમાં જામનગરમાં સહકારી મંડળીઓની સમીક્ષા બેઠક યોજાઇ

0
0

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ-સંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિ અને રાજ્યના સહકારમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જામનગરમાં આરટીવી હોટેલ ખાતે જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાની સહકારી મંડળીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટ, તેના મુખ્ય ઉદ્દેશો અને એક્શન પ્લાન અંગે ચર્ચા કરાઇ હતી.

સમીક્ષા બેઠકમાં કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકાર સે સમૃદ્ધિ વિઝનને આગળ વધારવા માટે અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ. તમામ ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવાઓ મળી રહે તે પ્રકારે ગુજરાત સરકાર તથા સહકારિતા મંત્રી જગદીશભાઈની આગેવાની હેઠળ કામગીરી કરી રહી છે. દેશભરમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી થઈ રહી છે. ગામડાના લોકોને પોતે જે જગ્યાએ વસવાટ કરતાં હોય ત્યાંથી જ પૈસા મળી રહે તે પ્રકારે સુવિધાઓ ઉપલબ્ધ કારવવામાં આવી રહી છે. જો ખેડૂત સક્ષમ હોય તો મંડળી સક્ષમ થાય, મંડળી સક્ષમ હોય તો જિલ્લા સહકારી બેંકો સક્ષમ બને અને જિલ્લા સહકારી બેંકો સક્ષમ બને તો જ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક સક્ષમ બને તે દિશામાં વર્તમાનનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કામગીરી કરી રહ્યું છે. વધુમાં વધુ ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ સહકારી બેન્ક સાથે જોડાય તે દિશામાં કામગીરી કરવા મંત્રીએ સૂચનો કર્યા હતા. મંત્રીએ ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લી. દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીને બિરદાવી હતી.

સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સહકાર થી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ગામની મંડળી ઉપર જ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. ખેડૂતો અને પશુપાલકોને rupay કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરવી 0%ના વ્યાજે ધિરાણ ઉપલબ્ધ કારવવું તેમજ તેઓ અને તેમના પરિવારજનો સહકારી બેંકમાં ખાતા ખોલાવે અને સહકારી બેન્કો પાસેથી સેવાઓ અને લોન મેળવી દરેક ગામના લોકો પોતાના જ વિસ્તારોમાં નાણાકીય સુવિધાઓ મેળવી શકે તે ઉદ્દેશ રહેલો છે. રાજ્યની સહકારી બેંક 170 જેટલી જિલ્લા અને અર્બન કો-ઓપરેટિવ બેંકોને સલામત ટેક્નોલોજીયુક્ત બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ ગામડાઓમાં દૂધ મંડળીઓની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી કરીને ખેડૂતો અને પશુપાલકોની સુવિધાઓમાં વધારો થાય. વધુમાં વધુ ગ્રાહકો સરકારી બેન્કો સાથે જોડાય અને જામનગર જિલ્લા સહકારી બેંક દ્વારા પણ શ્રેષ્ઠ કામગીરી કરી ગુજરાતને કો-ઓપરેટીવ મોડલ બનાવવામાં સહભાગી થાય તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારીઓ અને અગ્રણીશ્રીઓને જણાવ્યું હતું.

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ દ્વારા સમીક્ષા બેઠકમાં પાયલોટ પ્રોજેક્ટ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્થળ પર જ જે તે સંસ્થાઓ, એપીએમસી અને સહકારી મંડળીઓને લગતા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવા માટે બાહેંધરી આપી હતી. અને આવનારા નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ગ્રાહકો સહકારી બેન્કો સાથે જોડાય તે દિશામાં આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા.

આ સમીક્ષા બેઠકમાંધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લી. ના ચેરમેન જિતેન્દ્રલાલ દ્વારા સ્વાગત પ્રવચન તેમજ સહકાર વિભાગના સચિવ સંદીપકુમાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્યો શ્રીમતી રિવાબા જાડેજા, હેમંતભાઈ ખવા, રજીસ્ટ્રાર કે. એન. શાહ, ગુજરાત મિલ્ક ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ, અગ્રણી રમેશભાઈ મૂંગરા, ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લી.ના મેનેજર ડાયરેક્ટર ધરમશીભાઈ ચનિયારા, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરીયા, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાની સહકારી બેન્કના હોદ્દેદારો, એપીએમસીના ડાયરેક્ટરઓ, દૂધ મંડળીઓના આગેવાનો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

+++++++

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here