દેશની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોની યાદમાં જામનગર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

0
0

જામનગર, સંજીવ રાજપૂત:
જામનગરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે કારગીલ વિજય દિવસની ૨૫ મી વર્ષગાંઠ નિમિત્તે દેશની સેવામાં બલિદાન આપનાર શહીદોની યાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સિંધ વિજેતા બ્રિગેડે ભારતીય યુદ્ધ કળા અને મિલિટરી બેન્ડના માધ્યમથી ઓડિટોરિયમના પ્રાંગણમાં શહીદો વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે ૨૬ જુલાઇ ૧૯૯૯ ના રોજ ભારતીય સેનાએ પોતાનું પરમ સાહસ દર્શાવી દુશ્મનને યુદ્ધ મોરચે પાછળ ધકેલી દુશ્મનના અતિક્રમણને અટકાવ્યું હતું અને કારગીલના સર્વોચ્ચ શિખર પર તેની નિર્ણાયક જીતનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો.આ ભવ્ય જીત ભારતીય સેનાના દરેક સૈનિકની બહાદુરી, દેશભક્તિ અને દ્રઢ નિશ્ચયની સાક્ષી પુરે છે, જેમણે ખુબ મુશ્કેલ પ્રદેશ અને અત્યંત ખરાબ હવામાનનો સામનો કરીને કારગિલ યુદ્ધમાં દેશને વિજય અપાવ્યો હતો.કારગિલ યુદ્ધની જીત ભારતીય ઈતિહાસના પૃષ્ઠો પર એક સીમાચિહ્નરૂપ છે અને તે દરેક માટે એક ઉદાહરણ છે કે આપણા દેશનો દરેક સૈનિક કોઈપણ કિંમતે તેના દેશનું સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરે છે અને તેનું જતન કરે છે. કારગિલ યુદ્ધ દરમિયાન, આપણા સૈન્યના ૫૨૬ બહાદુર જવાનોએ દેશના ગૌરવ અને સન્માનની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

કારગિલ વિજય દિવસ નિમિત્તે સિંધ વિજેતા બ્રિગેડ દ્વારા અગાઉ પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમોના આયોજનનો હેતુ કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવાનો અને તેમની દેશભક્તિને યાદ કરવાનો છે.

આ કાર્યક્રમમાં બ્રિગેડિયર અઝીશ જોસેફ, સિંધ વિજેતા બ્રિગેડના કમાન્ડરશ્રીએ કારગિલ દિવસની ૨૫મી વર્ષગાંઠ પર ઉપસ્થિત રહેલ જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત પ્રશાસનિક સેવાઓના મહાનુભાવો, તમામ સેવાઓના સૈનિકો, એન.સી.સી.કેડેટ્સ, શાળાઓ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓનું અભીવાદન કર્યું હતું તેમજ દેશની રક્ષા કરતા કારગીલ યુદ્ધમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર મહાન વિરોને સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here